રાજકોટ શહેરમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના હરિઘવા રોડ પર આવેલા 'પટેલ ક્લાસિસ'માં ધોરણ 10માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને તેના જ શિક્ષકે પશુની જેમ બેરહેમીથી ફટકાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ આખી ઘટના પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે વિદ્યાર્થી ચાલુ ક્લાસ દરમિયાન 'કુરકુરે' ખાઈ રહ્યો હતો. આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા ક્લાસિસના સંચાલકે સંયમ ગુમાવ્યો હતો અને વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા.


ચાલુ ક્લાસે કુરકુરે ખાતા શિક્ષકે ફટકાર્યો

ભોગ બનનાર વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલાં ક્લાસિસના સંચાલક અને શિક્ષક તુષાર રાયચુરાએ તેને ચાલુ ક્લાસે કુરકુરે ખાતા જોઈ લીધો હતો. ત્યારબાદ શિક્ષકે લોખંડ કે પ્લાસ્ટિકની ભારે પાઇપ વડે વિદ્યાર્થીને માર મારવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીએ આપવીતી જણાવતા કહ્યું કે, "શિક્ષકે મારા ખભાના ભાગે પાઇપના બે સપાટા માર્યા હતા, અને આ હુમલાને કારણે મારા ડાબા હાથની આંગળી પણ વાંકી વળી ગઈ છે." શિક્ષકના આ અમાનુષી અને બેરહેમીભર્યા મારને કારણે વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

વાલીએ ક્લાસીસ સંચાલક સામે ફરિયાદ કરવાનું ટાળ્યું

વાલીઓનો આક્ષેપ છે કે આ શિક્ષક અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓને નાની-નાની વાતોમાં આ જ રીતે ઢોર માર મારી ચૂક્યા છે. જો કે, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, કોઈ અગમ્ય કારણોસર કે બાળકના ભવિષ્યનો વિચાર કરીને વાલીએ હાલ પૂરતું ક્લાસિસ સંચાલક તુષાર રાયચુરા સામે સત્તાવાર પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. બીજી તરફ, રાજકોટના જાણીતા વિદ્યાર્થી આગેવાન રોહિત રાજપૂતે આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ખાનગી ક્લાસિસમાં વિદ્યાર્થીઓ પર થતા આવા અત્યાચાર સામે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: