રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુરને જોડતા નેશનલ હાઇવે રોડ પર કેટલાક નબીરાઓ બેફામ બન્યા છે. આ યુવકોએ ધોરાજી-જેતપુર રોડ ઉપર જીવના જોખમે જોખમી સ્ટન્ટ કર્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક યુવકો ચાલુ બાઇક પર સૂઈ જઈને અથવા ઊભા રહીને સ્ટંટ કરી રહ્યા છે. આ નબીરાઓ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. 


ધોરાજી-જેતપુર રોડ પર કર્યા જોખમી સ્ટન્ટ

નેશનલ હાઇવે જેવા વ્યસ્ત માર્ગ પર આ પ્રકારના જોખમી સ્ટંટ કરવાથી માત્ર સ્ટંટ કરનારાઓનો જ નહીં પરંતુ માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. હાઇવે પર પૂરપાટ ઝડપે દોડતી બાઇક પર આ પ્રકારના ખતરનાક સ્ટંટ કરીને યુવકો પોતાની જાતને અને અન્ય લોકોને અકસ્માતનો ભોગ બનાવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ પ્રકારની બેફામ પ્રવૃત્તિઓ સામે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે પોલીસ સમક્ષ આ વીડિયોના આધારે નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બાઇક પર જોખમી સ્ટન્ટનો વીડિયો વાયરલ

રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે અંકુશ મૂકવો જરૂરી છે. સ્થાનિક પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે નબીરાઓને શોધી કાઢીને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે. આ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. પરંતુ તેમાં જોવા મળતા દ્રશ્યો ધોરાજી-જેતપુર રોડ પરની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોરે છે.


  • Follow us on: