રાજકોટની સડકો પર પડેલા ખાડા પૂરવાની કામગીરી આખરે શરૂ કરી દેવામાં આવી છે. સીએમના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા જાગ્યું છે. ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તા તેમજ રોડ પર પડેલા ખાડાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન રાજકોટના કુલ ત્રણ રસ્તાઓનું ધોવાણ થયુ હોવાની માહિતી સામે આવી હતી. આ રસ્તા બનાવનાર બે એજન્સીઓને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.


તંત્ર દ્વારા બે એજન્સીઓને નોટિસ મોકલાઈ

ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શન્સ એમ આ બે એજન્સીઓને તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. નાણાવટીથી રામાપીર ચોક સુધીનો સંપૂર્ણ રસ્તો ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંગોત્રી પાર્કમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. ગંગોત્રી પાર્કમાં સંપૂર્ણ પણે રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે. આ રસ્તા બનાવનાર બંન્ને એજન્સીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ બંન્ને એજન્સીઓને ફરી રોડ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઝોન પ્રમાણે ખાડા પૂરવાની કામગીરી શરૂ

સીએમના આદેશ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા દોડતી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ જુદા જુદા ઝોન પ્રમાણે ખાડા પૂરવાની કામગીરી શરૂ દીધી છે. રોડપર પડેલા ખાડાઓને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. ભારે મુશ્કેલીનો સામનો કરતા લોકો રોષે ભરાયા છે. ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શન્સ એજન્સીઓ દ્વારા આ ત્રણે રસ્તાઓને ફરી બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્ર હરકતમાં આવતા ક્લાસિક અને પવન કન્સ્ટ્રક્શન્સ એજન્સીઓેએ રોડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. 

  • Follow us on: