પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ દેશ અને રાજ્યના શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે હાલ સેવામાં કાર્યરત પ્રાથમિક શિક્ષકોને નડતી મુશ્કેલીઓ અને શિક્ષક પાત્રતા કસોટી એટલે કે TET પરીક્ષાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને એક સત્તાવાર પત્ર લખ્યો છે. સાંસદની આ રજૂઆતને પગલે શૈક્ષણિક આલમમાં ભારે ચર્ચા જાગી છે.


પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતને આપ્યો ટેકો

મળતી માહિતી મુજબ, પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાંસદ પરશોત્તમ રૂપાલાને મળીને વર્તમાન શિક્ષણ નીતિ અને TET પરીક્ષાને કારણે સર્જાતી વહીવટી તેમજ વ્યવહારિક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોની આ વ્યાજબી માંગણીઓ અને પીડાને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે રૂપાલાએ મધ્યસ્થી ભૂમિકા ભજવી છે અને પત્રમાં પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

પરીક્ષા ન લેવા અને સંવાદ સાધવા અપીલ

પરશોત્તમ રૂપાલાએ પોતાના પત્રમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને ખાસ વિનંતી કરી છે કે, જે શિક્ષકો વર્ષોથી સેવામાં કાર્યરત છે, તેમની TETની પરીક્ષા ન લેવા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે નીતિવિષયક નિર્ણયો લેતા પહેલાં શિક્ષકોના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધવા માટે પણ અપીલ કરી છે, જેથી લોકશાહી ઢબે સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવી શકાય.


શિક્ષકોની સમસ્યાઓની સમીક્ષા કરવા માગ

આ પત્રમાં શિક્ષકોની અન્ય પડતર રજૂઆતો અને મુશ્કેલીઓને પણ વિગતવાર મૂકવામાં આવી છે. રૂપાલાએ જણાવ્યું છે કે, શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાત-દિવ્ય મહેનત કરતા શિક્ષકો માનસિક તણાવ મુક્ત રહે તે જરૂરી છે. આથી, સરકાર દ્વારા શિક્ષકોની તમામ સમસ્યાઓ પર એક ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવામાં આવે અને તેનું ત્વરિત તેમજ કાયમી નિવારણ લાવવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પત્ર પર કેવો નિર્ણય લે છે.


આ પણ વાંચો - Aravalli News: TET પરીક્ષા નાબૂદીની માગ સાથે 5500 શિક્ષકોના ધરણા, રામધૂન બોલાવી આપ્યું આવેદન!


  • Follow us on: