રાજકોટના કોઠારીયા ગામ નજીક આવેલા ધનલક્ષ્મી પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં પેટ્રોલ પંપના સ્ટાફે પેટ્રોલ પંપની અંદર સિગારેટ પીવાની ના પાડતા બે અસામાજિક તત્વોએ તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પેટ્રોલ પંપ પર બે અજાણ્યા શખ્સો સિગારેટ પી રહ્યા હતા. આ સમયે પંપના સ્ટાફ અમનભાઈ ફિરોજભાઈ પઢીયારએ તેમને ત્યાં સિગારેટ ન પીવા માટે ટકોર કરી હતી.


પેટ્રોલ પંપમાં સિગારેટ પીવાનીના પાડતા અસામાજિક તત્વોનો હુમલો

આટલી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને આ બંને શખ્સોએ અમન નામના યુવક પર છરી વડે હુમલો કરીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ આજીડેમ પોલીસ મથકમાં આ યુવકે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હુમલાની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. પેટ્રોલ પંપના સંચાલકોએ આ સીસીટીવી ફૂટેજ પોલીસને સુપરત કર્યા હતા. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢીને તેમની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ 

આ ઘટનાથી સ્પષ્ટ થયું હતું કે શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતે પણ લોકો પર જીવલેણ હુમલા કરી દેવામાં આવે છે. આ ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. પોલીસે આ મામલે સખત કાર્યવાહી કરીને આવા તત્વોને કડક સંદેશ આપવો જરૂરી બન્યું છે.


  • Follow us on: