રાજકોટના પ્રખ્યાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા લોકમેળાને હવે એક નવું અને અનોખું નામ મળ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી મંગાવવામાં આવેલા અભિપ્રાય અને સૂચનોને આધારે લોકમેળાનું નામ શૌર્યનું સિંદૂર લોકમેળો રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પરંપરાગત મેળાને એક નવી ઓળખ અને સન્માન મળ્યું છે. આ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. હવે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ લોક મેળો યોજાશે.


લોકમેળાનું નામ શૌર્યનું સિંદૂર અપાયુ

રાજકોટમાં સાતમ આઠમના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પાંચ દિવસ સુધી આ લોક મેળો યોજાશે જેમાં લાખોની જનમેદની ઉમટશે. આ વખતે લોકમેળાનું નામ શૌર્યનું સિંદૂર અપાયું છે.14 થી 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે.આ મેળામાં 15 લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે. અત્યારથી રાજકોટવાસીઓ બાળકોને લઈને મેળો જોવા માટે પહોંચ્યા છે. મેળાને લઈને બાળકો અને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.


આ વખતે ગમે તેટલો વરસાદ વરસે અમે મેળો માણવા આવીશું

રાજકોટમાં ગત વર્ષે વરસાદના કારણે લોકો મેળાની મજા નહોતા માણી શક્યા. લોકોનું કહેવું છે કે, આ વખતે ગમે તેટલો વરસાદ વરસે અમે મેળો માણવા આવીશું. આવો લોક મેળો રાજ્યમાં બીજે ક્યાંય યોજાતો નથી. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ સહિત મહાનગર પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું અધિકારી સુત્રોએ જણાવ્યું હતું. હવે આગામી 14થી 18 ઓગસ્ટ સુધી આ લોક મેળો યોજાશે.


  • Follow us on: