પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના વડા નરેશ પટેલ હંમેશા કોઈને કોઈ મામલે ચર્ચામાં રહે છે. ખોડલધામના સર્વેસર્વા કહેવાતા નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેને લઈને રાજકીય પક્ષો દ્વારા હંમેશા પ્રયાસ કરવામાં આવ્યા છે. અગાઉ જયેશ રાદડિયા સાથે થયેલા મતભેદના કારણે નરેશ પટેલ ચર્ચામાં હતા. ત્યારે આજે ફરી એક વખત રાજકીયવર્તુળોમાં નરેશ પટેલનું નામ ચર્ચામાં છે. હાલમાં નરેશ પટેલ ગોપાલ ઇટાલિયા અને અમૃતિયાને કરેલ ટકોરને લઈને સમાચારમાં છે. જણાવી દઈએ કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે.
ધારાસભ્ય તરીકે 5 વર્ષ પૂરા કરો
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ઇટાલિયા-અમૃતિયાને ટકોર કરી કે તમે ધારાસભ્ય તરીકે 5 વર્ષ પૂરા કરો. કારણ વગર સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો ના કરો. પરંતુ સ્થાનિક સ્તરે ઉઠતાં લોકોના પ્રશ્નો હલ કરવા પ્રયાસ કરો. લોકપ્રિય બનવા સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાના બદલે સમાજના કાર્યો કરવા પર ધ્યાન આપો. સમાધાન માટે પ્રશ્ન આવશે તો હું નિરાકરણ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશ. જે લોકો સારા કામ કરે છે તેમના કામમાં રોડા ના નાખો.
હું રાજકારણમાં નહી જોડાઉ
ગોપાલ ઇટાલિયાને લઈને કરવામાં આવેલ આ ટકોર બાદ જ્યારે નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે શું તેઓ આપ પાર્ટીમાં જોડાવાના છે. ત્યારે તેમણે કહ્યું કે મેં 2022માં પણ સ્પષ્ટતા કરી હતી અને અત્યારે ફરી કહું છું કે હું રાજકારણમાં નહી જોડાઉ. જો કે 2002માં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મીડિયા સાથેની વાતચીતમાં આપ નેતા ગોપાલ ઈટાલિયા કહ્યું હતું કે નરેશ પટેલના વિચારો પ્રમાણેની ગુજરાતમાં એક જ પાર્ટી છે એ છે આમ આદમી પાર્ટી છે. નરેશ ભાઈની વાત અને તેમણે ઉપાડેલા કાર્યોને અમે તનમનધનથી પૂર્ણ કરવા પ્રયાસ કરીશું. આપ પાર્ટી નરેશ પટેલને લાવવા ઇચ્છતી હોવાનું સ્પષ્ટ થયું હતું.
ચૂંટણી આવતા નરેશ પટેલ ચર્ચામાં
નોંધનીય છે કે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલનું નામ ચર્ચામાં આવી જાય છે. નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે કે પછી આપ પાર્ટીમાં જોડાશે તેને લઈને હંમેશા અટકળોનું બજાર ગરમ રહે છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોમાં નરેશ પટેલને પોત પોતાની પાર્ટીમાં જોડવા માટે હોડ લાગેલી રહે છે. અને હાલમાં નરેશ પટેલે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે 5 વર્ષ પૂરા કરવાની ટકોર કરી છે. આ બાબત અનેક અર્થ સૂચવે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હંમેશા રાજકારણમાં આવવાનો ઇનકાર કરતા રહ્યા છે. પરંતુ રાજકીય સ્તરે કયારેક તેમની આવી દખલગીરી અનેક બાબતનો નિર્દેશ કરે છે.