રાજકોટની AIIMS હોસ્પિટલ વિવાદમાં આવી છે. આધુનીક તકનીક ધરાવતી AIIMS હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં એક વિદ્યાર્થીને સાપ કરડયો. તરત જ આ વિદ્યાર્થીએ સારવાર માટે હોસ્પિટલની મદદ માગી. પરંતુ પૂરતા જથ્થાના અભાવે આ વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આ ઘટના સામે આવ્યા બાદ AIIMSને લઈને સવાલો ઉઠ્યા છે. શું એઇમ્સમાં ખરેખર સુવિધાનો અભાવ છે ??


ફાર્માના વિદ્યાર્થીને સાપ કરડયો

ઘટનાની વિગત મુજબ AIIMS હોસ્પિટલમાં આવેલ મેડિકલ સ્ટોરમાં કામ કરતા ફાર્માના વિદ્યાર્થીને ગત રાત્રિએ સાપ કરડયો. મેડિકલ સ્ટોરમાં વિદ્યાર્થી કામ કરી રહ્યો હતો ત્યારે ખાનામાં રાખેલ ડબ્બામાંથી દવા લેવા ગયો. ત્યારે ડબ્બાની પાછળ સાપ છુપાયો હતો તેણે વિદ્યાર્થીના હાથે ડંખ માર્યો. પહેલા વિદ્યાર્થીને કંઈક વાગ્યું હોય તેવો અણસાર લાગતો વધુ ધ્યાન ના આપ્યું. ફરી વખત જ્યારે દવા લીધી ત્યારે સાપે હાથ પર ડંખ મારતા નિશાન ઉપસી આવ્યા.

મિત્રોની મદદથી બચ્યો જીવ

વિદ્યાર્થીને સાપ કરડ્યો હોવાની ખબર પડતાં તેણે મદદ માટે મેડિકલ સંચાલક અને અન્ય સ્ટાફની મદદ લીધી. દરમિયાન પોતાના મિત્રોને પણ ફોન કરી ત્યાં બોલાવ્યા. વિદ્યાર્થી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા. જ્યાં આ વિભાગના સંચાલક દ્વારા પોતાની જવાબદારીથી હાથ ખંખેરતા કહ્યું દવાનો પૂરતો જથ્થો નથી. જો કે મેડિકલ સંચાલકે વિદ્યાર્થીની પ્રાથમિક સારવાર કરી અને સ્ટોરમાંથી દવા આપી હતી.  પરંતુ ફાર્માનો વિદ્યાર્થી સર્પદંશના કારણે બેભાન થવા લાગ્યો. આ દરમિયાન તેના મિત્રો ત્યાં આવી પહોંચ્યા. મિત્રોની મદદથી વિદ્યાર્થીનો જીવ બચ્યો.

હોસ્પિટલ આખરે શું કામની ??

તેમને લાગ્યું કે અંહી વધુ સારવાર મળી શકશે નહીં. એટલે તેઓ પોતાના મિત્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. ત્યાં બે દિવસની સારવાર બાદ ફાર્માનો વિદ્યાર્થી અત્યારે જોખમથી બહાર છે. જો કે આ કિસ્સો સામે આવ્યા બાદથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે જો અદ્યતન ટેકનોલોજી ધરાવતી AIIMS હોસ્પિટલમાં સર્પદંશ જેવી સમસ્યાની સારવાર નથી મળી શકતી તો પછી આટલી મોટી હોસ્પિટલ આખરે શું કામની ??

  • Follow us on: