રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજમાં બેદરકારી અને દર્દીઓ સાથેના ગેરવર્તનને લઈને હોસ્પિટલ કમિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે બે સિક્યુરિટી ગાર્ડ અને એક વર્ગ-4 ના કર્મચારીને ફરજ પરથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક નર્સિંગ સ્ટાફ સામે પણ પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.


નર્સિંગ સ્ટાફની શાબ્દિક ગેર વર્તુણક બદલ કાર્યવાહી

પ્રાપ્ત માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ દ્વારા નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની શાબ્દિક ગેરવર્તણૂક અને બેદરકારી અંગે અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓએ એક કમિટીની રચના કરી હતી, જેણે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, બે સિક્યુરિટી ગાર્ડ અને એક વર્ગ-4 ના કર્મચારીને તેમની ફરજમાં બેદરકારી અને ગેરવર્તણૂક માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે, આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક નર્સિંગ સ્ટાફ સામે એડિશનલ ડાયરેક્ટરને રિપોર્ટ

આ ઉપરાંત, એક નર્સિંગ સ્ટાફ દ્વારા પણ દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કમિટી દ્વારા આ નર્સિંગ સ્ટાફ સામે એડિશનલ ડાયરેક્ટરને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે, આગામી દિવસોમાં આ નર્સ સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે. આ કાર્યવાહીથી હોસ્પિટલ મેનેજમેન્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દર્દીઓની સારવાર અને તેમની સાથેના વ્યવહારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સિવિલ હોસ્પિટલમાં સુચારુ વહીવટ અને દર્દી-કેન્દ્રીત સેવાઓ જાળવી રાખવા માટે આવા પગલાં જરૂરી હોવાનું મનાય છે.




  • Follow us on: