રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા, પરંતુ છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોનું હવે રિનોવેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ મનપા રૂપિયા 16 કરોડ 60 લાખનો ખર્ચ કરશે. આ લાંબા સમયથી ખાલી પડેલા આવાસો બિસ્માર હાલતમાં હતા અને તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે આસપાસના રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હતા.


રૂપિયા 2 લાખમાં 1-BHK આવાસ અને PMAY યોજના

રિનોવેશન પૂર્ણ થયા બાદ, આ તમામ 1056 આવાસને 'પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)' હેઠળ લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આ યોજના હેઠળ જે લોકોની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેનાથી ઓછી છે, તેવા પરિવારોને આ આવાસ આપવામાં આવશે. સૌથી રાહતની વાત એ છે કે, આ 1-BHK આવાસ લાભાર્થીઓને માત્ર રૂપિયા 2 લાખના નજીવા દરે આપવામાં આવશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું 'ઘરનું ઘર' મેળવવાનું સ્વપ્ન સાકાર થશે.

આગામી 10 મહિનામાં આવાસ તૈયાર થશે

રાજકોટ મહાનગરપાલિકાએ આ રિનોવેશન પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા પણ જાહેર કરી છે. મનપા દ્વારા આવતા 10 મહિનામાં આ તમામ 1056 આવાસોને સંપૂર્ણપણે તૈયાર કરીને લાભાર્થીઓને ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટ ફક્ત ગરીબોને આવાસ આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ લાંબા સમયથી બંધ પડેલા સરકારી માળખાનો યોગ્ય ઉપયોગ કરવાનો અને શહેરમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો પણ એક સકારાત્મક પ્રયાસ છે.


  • Follow us on: