રાજકોટમાં સાતમ આઠમના મેળાની રંગેચંગે શરૂઆત થઈ ગઈ છે. મેળાની શરૂઆત પહેલા જ લોકો પહોંચ્યા હતાં. પરંતુ સત્તાવાર મેળાની શરૂઆત થતાં પ્રથમ દિવસે 2.70 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આજે સવાર સુધીમાં 80 હજાર લોકો મેળામાં આવ્યા હતાં. ગઈકાલે રાંધણ છઠના દિવસે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પહેલા દિવસે લોકમેળામાં મનોરંજન માટે એક પણ રાઇડ કે ચકરડીને NOC ન મળતા લોકો નિરાશ થયા હતા. પરંતુ આજે બપોર બાદ લોકમેળામાં ચકરડી અને ફજેત શરૂ થઈ જતા લોકો ખુશખુશાલ થયા હતાં.
લોકમેળો 1953માં પ્રથમ વખત શરૂ થયો હતો
રાજકોટના મેળા વિશે લોકોએ કહ્યું હતું કે, આ મેળો 1953માં પ્રથમ વખત શરૂ થયો હતો.રાજકોટ નાગરિક સમિતિ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાન ખાતે આયોજન થયું હતું.આ મેળાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1983-84માં હસ્તગત કરવામાં આવ્યો હતો. ત્યારથી જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ આ લોકમેળો આયોજિત કરાઈ રહ્યો છે. 2003માં લોકમેળો રેસકોર્સ મેદાન ખાતે આયોજિત કરવાની શરૂઆત કરાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી આ મેળો જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ ખાતે આયોજિત થાય છે.
શૌર્યના સિંદૂર લોકમેળામાં પહેલા દિવસથી જ ભીડ ઉમટી
રાજકોટમાં ગુરૂવારે રાંધણ છઠ્ઠના દિવસે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકમેળાની શરૂઆત કરવામાં આવી હતી. શૌર્યના સિંદૂર લોકમેળામાં પહેલા દિવસથી જ ભીડ ઉમટી હતી.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ અને આઠમ બે દિવસ મેળામાં જ મહાલવા અને મનોરંજન માણવા માટે ચકરડીમાં બેસીને મેળો માણવાની પરંપરા રહી છે. આ વખતે યાંત્રિક રાઈડને સાતમના બપોર સુધી મંજૂરી ન મળતા બાળકો અને યુવાઓ નારાજ થઈ ગયા હતા. મેળો કરવા આવેલા યુવાઓએ કહ્યું કે મેળાની મજા ચકરડી વગર અધૂરી છે. પરંતુ આજે બપોર બાદ લોકમેળામાં ચકરડી અને ફજેત શરૂ થઈ જતા લોકો ખુશખુશાલ થયા હતાં. હજુ મોતના કૂવા સહિતના મનોરંજનને મંજૂરી નથી મળી.