રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ગામે વાડીના રસ્તાના સમારકામ બાબતે ભારે બબાલ થઈ હતી. એક વાડીના માલિકે રસ્તો રીપેર આવેલા JCB ના કાચ તોડી નાખ્યા હતા અને તેના ડ્રાઈવરને પણ માર માર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. આ વિવાદ સાણથલીથી લોંગણવદરને જોડતા રસ્તાને લઈને થયો હતો, જે ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી હતી.
વાડીના માલિકે JCBના ડ્રાઇવરને માર માર્યો
ખેડૂતો દ્વારા આ રસ્તો રીપેર કરવાની માંગણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે JCB દ્વારા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, વાડી માલિક પ્રવીણભાઈને આ કામ પસંદ ન આવતા તેમણે રોષે ભરાઈને JCB ના કાચ તોડી નાખ્યા હતા અને JCB ના ડ્રાઈવર સાથે મારપીટ કરી હતી. આ ઘટનાને કારણે રસ્તાનું કામ અટકી ગયું છે અને અન્ય ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, રસ્તો ખરાબ હોવાને કારણે ખેતપેદાશોને બજાર સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડે છે.
રસ્તો ખરાબ હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડતી હતી
આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે, નાના ગામોમાં પણ સામાન્ય સુવિધાઓને લઈને કેટલો તણાવ પ્રવર્તી રહ્યો છે. આશા છે કે, વહેલી તકે આ વિવાદનો ઉકેલ આવશે અને રસ્તાનું કામ ફરીથી શરૂ થઇ શકશે, જેથી ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવે.