ગુજરાતમાં આજથી ફરજિયાત હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ ટ્રાફિક પોલીસે ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ કરી દીધી છે. શહેરમાં 50 સ્થળો પર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હેલ્મેટ વિના નીકળેલા વાહનચાલકોને દંડ ફટકાર્યો છે. આજે રાજકોટમાં મોટા ભાગના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતાં.
50 સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી
રાજકોટ ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ આ ડ્રાઈવ અંગે જણાવ્યું હતું કે, હેલ્મેટનો કાયદો ફરજિયાત છે અને તેની કડક અમલવારી કરવામાં આવશે. હેલ્મેટ વિના નીકળતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું વલણ લોકો સાથે થતા ઘર્ષણને રોકવાનું છે અને લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરવાનું છે. જેથી આજથી હેલ્મેટના કાયદાનો સુચારૂ રૂપે અમલ કરવામાં આવશે. જે વાહન ચાલકો હેલ્મેટ વિના નીકળશે તેમને દંડ ફટકારવામાં આવશે.













