ગુજરાતમાં મે મહિનામાં ભરઉનાળામાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું. જ્યારે જૂન મહિનાના દસ દિવસ બાદ પણ ચોમાસુ બેઠું નથી. એટલે કે વરસાદ ખેંચાતા ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું. સામાન્ય રીતે જૂન મહિનાના આરંભ સાથે વરસાદની શરૂઆત થાય છે. અને હાલમાં ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા રાજ્યના જળાશયોની સ્થિતિ વધુ વિકટ બની છે.
પાણીની સમસ્યા સર્જાશે
રાજકોટના ગુણવત્તા અને પૂર નિયંત્રણ વિભાગના સિંચાઈ અધિકારી જયદિપ લાવડિયાએ માહિતી આપતા જણાવ્યું કે જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે. વધુમાં તેમણે કહ્યું કે હાલમાં સૌરાષ્ટ્રના 51 ડેમોમાં 20 ટકાથી ઓછું પાણી છે. રાજકોટ પૂર નિયંત્રણ વિભાગ અંતર્ગત 5 જિલ્લાના 83 ડેમોનો સમાવેશ થાય છે. જેમાં દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિત જામનગરમાં કુલ 83 ડેમો છે જેમાં કેટલાક ડેમમાં પાણીનું ઘણું ઓછું છે તો કેટલાકમાં બિલકુલ પાણી નથી. પાંચ જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાના ડેમોમાં અત્યારે સૌથી ઓછું પાણી છે.
સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની સ્થિતિ
| જિલ્લો | ડેમ | પાણી |
| દ્વારકા | 13 | 20%થી ઓછું |
| જામનગર | 21 | 20%થી ઓછું |
| રાજકોટ | 12 | 20%થી ઓછું |
| સુરેન્દ્રનગર | 8 | 20%થી ઓછું |
| મોરબી | 6 | 20%થી ઓછું |
51 ડેમો નર્મદા પર આધારિત
વધુમાં તેમણે કહ્યું કે વરસાદ ખેંચાશે તો સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાશે. એક અંદાજ મુજબ 15 જૂન સુધીમાં વરસાદ શરૂ થાય તેવી સંભાવના છે. પીવાના પાણીની સમસ્યા મામલે સૌની યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવશે. દરમહિને જે - તે ડેમમાંથી પાણીના ડેટા મંગાવવામાં આવે છે. પાણીને લઈને આગોતરું આયોજન કરવામાં આવે છે. બિલકુલ પાણી ના હોય તેવા નહિવત ડેમ છે. 83 ડેમમાંથી ફક્ત 4 કે 5 જ ડેમ છે જેમાં પાણી નથી. જો વરસાદ ખેચાશે તો પાણીની સમસ્યા સર્જાશે 51 ડેમોને નર્મદાને નિર્ભર આધારિત રહેવું પડશે.
નર્મદાના નીર ઠાલવવામાં આવશે
દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી ના 51 ડેમોમાં 20 ટકા કરતા ઓછું પાણી છે. દેવભૂમિ દ્વારકાના તમામ 13 ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી. જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 12 ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી. રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 12 ડેમમાં 20 ટકા કરતાં ઓછું પાણી. સુરેન્દ્રનગરના 11 ડેમમાંથી 8 ડેમમાં 20 ટકા કરતાં ઓછું પાણી. મોરબી જિલ્લાના 10 ડેમમાં થી છ ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી. સિંચાઈ વિભાગ દ્વારા પાણીની સમસ્યા મામલે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. જો વરસાદ ખેંચાશે તો સિંચાઈ વિભાગ અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવશે.