રાજકોટમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો હોવાની અટકળોએ જોર પકડ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) અને શહેર ભાજપ સંગઠનના કેટલાક કાર્યક્રમોમાં રાજ્યસભા સંસદ રામ મોકરિયાનું નામ આમંત્રણ પત્રિકામાંથી ગાયબ હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
મેયરે શું કહ્યું?
આ મામલે સ્પષ્ટતા કરતા મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું કે. "રામભાઈ અમારા વડીલ છે. ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં કોઈ ખટરાગ નથી." તેમણે ઉમેર્યું કે, "રામભાઈ આખાબોલા છે અને ઘણી વખત સાચું બોલતા હોય છે." મેયરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ભલે મોકરિયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન હોય પરંતુ પાર્ટીમાં કોઈ વિવાદ નથી. મેયરે એમ પણ કહ્યું કે, ભાજપમાં બધા પરિવારની જેમ જ કામ કરે છે.
પહેલા પણ કર્યા હતા આક્ષેપો
ઉલ્લેખનીય છે કે, રામ મોકરિયાએ અગાઉ અનેક વખત કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યાના આક્ષેપો કર્યા હતા. તેમના આ આકરા નિવેદનો બાદથી જ એવી અટકળો ચાલી રહી હતી કે તેમને પાર્ટીના કાર્યક્રમોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના છેલ્લા ત્રણ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં રામ મોકરિયાનું નામ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવું રહ્યું કે, આ મામલે રામ મોકરિયા પોતે શું પ્રતિક્રિયા આપે છે.