ગુજરાતમાં સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્ર શરૂ થતાંની સાથે જ પાઠ્ય પુસ્તકોની અછત સામે આવી છે. રાજકોટમાં પાઠ્ય પુસ્તકો માર્કેટમાં સ્ટેશનરીની દુકાન સુધી નહીં પહોંચતા વાલીઓ ચિંતિત જોવા મળી રહ્યાં છે. પાઠ્ય પુસ્તકોની અછત સર્જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. સ્કૂલો શરૂ થઈ જતાં વિદ્યાર્થીઓ પુસ્તકો વિના કેવી રીતે ભણશે તેવા સવાલો ઉભા થયાં છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્ર શરૂ થતાની સાથે જ બજારમાં પાઠ્ય પુસ્તકોની અછત સર્જાઈ છે. સ્ટેશનરીની દુકાનો સુધી પાઠ્ય પુસ્તકો નહીં પહોંચતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના પુસ્તક વિક્રેતા મહેશ કોટકે કહયું હતું કે, જ્યારે વેકેશન શરૂ થાય તે દરમિયાન પાઠ્ય પુસ્તકો વિક્રેતા સુધી પહોંચાડવાના હોય છે. અપૂરતા જથ્થાને કારણે વાલીઓ વિદ્યાર્થીઓ સહિત વેપારીઓને પણ હાલાકી થઈ રહી છે.
પુસ્તકો નહીં હોવાથી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે
રાજકોટમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. સ્કૂલો શરૂ થતાં વાલીઓ બજારમાં પુસ્તકો ખરીદવા માટે જાય છે. પરંતુ હાલમાં માર્કેટમાં ધોરણ 1માં ગુજરાતી, ધો.6માં અંગ્રેજી અને ધો.8માં ગુજરાતીનું પુસ્તર ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ધો.12 કોમર્સ અને સાયન્સમાં પૂર્ણ સેટ પણ ઉપલબ્ધ નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને દોડધામ થઈ રહી છે. સ્કૂલો શરૂ થઈ ગઈ છે પણ માર્કેટમા પુસ્તકો નહીં હોવાથી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તેવા સવાલો ઉભા થયાં છે.