રાજકોટ શહેરની ભરચક લાખાજીરાજ બજારમાં પાથરણાવાળાઓના આતંક અને વેપારીઓ પરના હુમલાના મામલે આખરે તંત્ર દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય. તાજેતરમાં જ એક પાથરણાવાળાએ વેપારી પર ધોકા વડે હુમલો કર્યા બાદ વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો નિરાકરણ નહીં આવે તો બજાર બંધ રાખી હડતાલ કરવામાં આવશે. વેપારીઓની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને આજે મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી પાથરણાવાળાઓને દૂર કરવાની માંગ કરવામાં આવતી હતી
આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી લાખાજીરાજ બજારમાંથી પાથરણાવાળાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભવિષ્યમાં આવા બનાવો ન બને અને વેપારીઓને સુરક્ષા મળી રહે તે માટે બજારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. લાખાજીરાજ બજારમાં 1500થી પણ વધુ દુકાનો આવેલી છે અને વેપારીઓ છેલ્લા ત્રણ વર્ષથી પાથરણાવાળાઓને દૂર કરવાની માંગ કરી રહ્યા હતા.
તંત્રના નિર્ણયથી વેપારીઓએ લાધો રાહતનો શ્વાસ
જ્યારે તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વેપારીઓએ રાહતનો મળશે મોટી રાહત. પરંતુ સાથે સાથે વેપારીઓએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી 15 દિવસમાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે તો ફરીથી આંદોલન કરવામાં આવશે. આશા છે કે તંત્ર આ નિર્ણયનો કડક અમલ કરીને વેપારીઓને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યામાંથી મુક્તિ અપાવશે.