રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર ભેળસેળ કરતાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે. ત્યારે 2014માં મનપા દ્વારા દાબેલીના વેપારીના ત્યાંથી લીધેલા નમૂનાના કેસમાં મ્યુનિસિપલ કોર્ટે વેપારીને એક લાખનો દંડ અને દંડ ના ભરે તો એક માસની જેલની સજા ફટકારી છે. 2014માં મનપાની તપાસમાં કૈલાસ દાબેલીના મસાલામાંથી કેન્સર જેવા ગંભીર રોગ થતા હોવાનું ખૂલ્યું હતું. આ કેસનો ચૂકાદો 11 વર્ષે આવ્યો છે.


દાબેલીમાં માવો અને કલર વાળી ચટણીના નમૂના ફેલ થયા હતાં

મળતી વિગતો પ્રમાણે રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા 2014ના મે મહિનામાં વેપારી પાસેથી દાબેલીના લૂઝ મસાલાનો નમૂનો લેવાયો હતો. તેના લેબોરેટરી ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે, તેમાં પ્રતિબંધિત 'સિન્થેટીક ફૂડ કલર કોલટાર કલર અને ડાઇ હોવાના કારણે નમૂનો "અનસેફ ફૂડ" જાહેર કરાયો હતો.આ મામલે વેપારી સામે કેસ દાખલ કરાયો હતો. દાબેલીમાં માવો અને કલર વાળી ચટણીના નમૂના ફેલ થયા હતાં.

વેપારીને એક લાખનો દંડ ફટકાર્યો

મહાનગર પાલિકાની કાર્યવાહી બાદ જે તે સમયે કૈલાસ દાબેલીની દુકાન બંધ કરી દેવાઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલુ હતી. પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં પુરવા રજૂ કરવાના હોવાથી ચૂકાદો મોડો આવ્યો છે. કોર્ટે આ કેસમાં વેપારીને એક લાખનો દંડ ફટકાર્યો છે અને જો દંડ નહીં ભરે તો એક માસની જેલની સજાનો પણ આદેશ કર્યો છે. કોર્ટના ચૂકાદાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


  • Follow us on: