રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેણે ભારે ચકચાર જગાવી છે. આ વીડિયોમાં બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી થતી જોવા મળી રહી છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પુરુષ અને એક મહિલા વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ રહી છે અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી જાય છે.
પાઇપ વડે જાહેરમાં કરી મારામારી
આ ઝઘડામાં અન્ય એક પુરુષ પણ જોડાય છે. આ ત્રણેય વ્યક્તિઓ જાહેરમાં પાઈપ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. મારામારી એટલી હદે વધી ગઈ હતી કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા. જોકે આ મારામારીનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો છે અને લોકો દ્વારા તેને શેર કરવામાં આવી રહ્યો છે.













