ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી રહી છે. એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ બાદ શહેર પોલીસ દ્વારા અનોખા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.


સામાજિક જીવનનો સંદેશ આપવાના હેતુસર આ શેરીનાટકનું આયોજન કરવામાં આવ્યું હતું

શહેરના જમાલપુર દરવાજા ખાતે અમદાવાદ પોલીસ દ્વારા 'વિજયી વિશ્વ તિરંગા' શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે કોમી એખલાસ જળવાઈ રહે તથા લોકોમાં વ્યાજખોરોના દૂષણ અને સાયબર ક્રાઈમ જેવા ગુનાઓ અંગે જાગૃતિ આવે અને સામાજિક જીવનનો સંદેશ આપવાના હેતુસર આ શેરીનાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત સૌ લોકોએ તાળીઓના ગડગડાટથી આ નાટકને વધાવ્યું હતું

શહેર પોલીસ કમિશનર અને જગન્નાથ મંદિરના મહંત સહિતના મહાનુભાવોએ સુંદર નાટ્ય પ્રસ્તુતિ બદલે કલાકારોને અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા. નાટ્ય કલાકારોએ સુંદર અભિનય અને પ્રસ્તુતિ રજૂ કરી લોકોને અભિભૂત કરી દીધા હતા. ઉપસ્થિત સૌ લોકોએ તાળીઓના ગડગડાટથી આ નાટકને વધાવ્યું હતું.

અધિકારીઓ રહ્યાં હાજર

આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, સાંસદ દિનેશભાઈ મકવાણા, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, કાલુપુર મસ્જિદના મૌલાના, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: