અમદાવાદમાં ભગવાન જગન્નાથ આગામી 27 જૂને નગરચર્યાએ નીકળશે. આ પહેલા ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. ત્યાર બાદ ભગવાન મોસાળ સરસપુર ખાતે ગયા હતાં. જ્યાં ભાણેજ બનીને આવેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું વાજતેગાજતે સ્વાગત કર્યું હતું. મોસાળવાસીઓએ ભગવાનને લાડ લડાવ્યા હતાં. સરસપુરના રણછોડરાય મંદિરમાં ભજન કીર્તનના તાલે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
રજવાડી ઠાઠ સાથે ભગવાને ભક્તોને દર્શન આપ્યાં
અમદાવાદ શહેરમાં આગામી 27મી જૂનના રોજ 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રા પહેલા ભગવાન સરસપુર ખાતે મામાના ઘરે ગયા છે. જ્યાં સરસપુરના ભક્તજનોએ ભગવાનનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. ભગવાનને જયપુરી જ્વેલરી અને વૃંદાવનના વાઘા પહેરાવીને તૈયાર કરવામાં આવ્યા છે. સરસપુરમાં ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે. રજવાડી ઠાઠ સાથે ભગવાને ભક્તોને દર્શન આપ્યાં છે. રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનના ભજન કિર્તન કરવામાં આવ્યાં છે.
ભગવાન વિના જમાલપુર જગન્નાથ મંદિર બન્યું સૂનું
બીજી તરફ ભગવાન વિના જમાલપુર જગન્નાથ મંદિરમાં સુનકાર વ્યાપ્યો છે. ભક્તો ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યાં છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ 15 દિવસ માટે મોસાળમાં જાય છે. મોસાળમાં પહોંચેલા ભગવાનનું ભક્તો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું છે. ભગવાન 15 દિવસ બાદ નીજ મંદિર પરત ફરશે. ત્યારબાદ તેઓ શહેરની નગરચર્યાએ નીકળશે. રસ્તા પર ભગવાન લાખો ભક્તોને દર્શન આપશે.