મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતૃ હીરાબા સરોવરનું નિર્માણ થયું છે.આ સફળ કામગીરીને પરિણામે માધુપાવડીયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે.એટલું જ નહીં 450 લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે.
સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો.આ વિચારને વાસ્તવિક રૂપ આપવા ૨૦૦૫માં મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીમાં પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતી નદીના નીરનો જલાભિષેક સરસ્વતી નર્મદા મહા સંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રિકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.













