સુરતના પાલ વિસ્તારમાં આવેલા એક હોટલમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે માતા-પિતા માટે ગંભીર ચેતવણી પૂરી પાડી છે. યુફોરિયા નામની હોટલમાં જમવા ગયેલા એક પરિવારના દોઢ વર્ષના બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર બાળકોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એક પરિવારના સભ્યો યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. તેમની સાથે તેમનો દોઢ વર્ષનો માસૂમ પુત્ર પણ હતો. જમતી વખતે બાળક રમતા-રમતા તેમનાથી થોડો દૂર જતો રહ્યો હતો. અજાણતાં જ બાળક હોટલ પરિસરમાં આવેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો.


માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

પરિવારે જ્યારે બાળકને ન જોયો ત્યારે તેની શોધખોળ શરૂ કરી હતી. આશરે 15 મિનિટ બાદ બાળક પાણીની કુંડીમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તાત્કાલિક તેને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલમાં રહેલી પાણીની કુંડી ખુલ્લી હતી અને તેની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. આ ઘટના હોટલ મેનેજમેન્ટની બેદરકારી અને માતા-પિતાની થોડી પળોની ગેરહાજરીનું પરિણામ છે. આ દુર્ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે બાળકોની સુરક્ષા માટે માત્ર ઘર જ નહીં, પરંતુ જાહેર સ્થળોએ પણ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે.

સુરતમાં હોટલની કુંડીમાં પડતા બાળકનું મોત

આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. બાળકો રમતા હોય ત્યારે તેમના પર સતત નજર રાખવી અત્યંત આવશ્યક છે. ખાસ કરીને જ્યારે તેઓ કોઈ અજાણ્યા કે નવા સ્થળે હોય ત્યારે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવું એ સૌથી મોટી જવાબદારી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર યાદ અપાવ્યું છે કે એક નાનકડી બેદરકારીનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે છે.

  • Follow us on: