સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલા દેવઘાટ ધોધ ખાતે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. જેમાં ધોધમાં ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક યુવકની ઓળખ તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના જૂની સાતકાશી ગામના મહેબૂબ સોમાભાઈ વસાવા તરીકે થઈ છે. મહેબૂબ વસાવા પોતાના મિત્રોના જૂથ સાથે ઉમરપાડાના રમણીય દેવઘાટ ધોધની મુલાકાતે આવ્યો હતો. મહેબૂબે ધોધના ઊંચા ભાગ પરથી પાણીમાં કૂદકો મારીને ન્હાવાનું સાહસ કર્યું હતું.
ધોધ પરથી કૂદી પાણીમાં ન્હાવા પડતા યુવક ડૂબ્યો
જોકે ધોધના નીચેના ભાગે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. મિત્રો દ્વારા બચાવવાના પ્રયાસો છતાં મહેબૂબનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અહીં વધુ દુઃખદ વાત એ છે કે મહેબૂબ જ્યારે ધોધમાં કૂદકો મારી રહ્યો હતો તે સમયનો સમગ્ર વિડીયો તેના મિત્રએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જે આ ગમખ્વાર ઘટનાની ભયાનકતા દર્શાવે છે.













