સુરતમાં શહેરના પુણામાં એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરી લૂંટ કરનારા આરોપીને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઈએ કે ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝમાં ધોળા દિવસે એમ્બ્રોડરી ખાતામાં 2 ઈસમોએ પ્રવેશીને ફાયરીંગ કરી મોબાઈલ, રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. આરોપી લૂંટ કરી કારીગરોને અંદર પુરી બહારથી દરવાજો બંધ કરીને ભાગી છૂટ્યો હતો. ત્યારે લૂંટના આ આરોપી હવે પોલીસના સકંજામાં આવ્યો છે.


લૂંટ ચલાવી આરોપી થઈ ગયો ફરાર

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને હરીયાણા રાજ્યના ગુડગાંવ રામલીલા મેદાન ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસે લૂંટમાં વપરાયેલી પીસ્ટલ, કાર્ટીઝ કબ્જે કરી લીધી છે. એમ્બ્રોડરીના ખાતામાં દોઢ વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ તેની સાથે એક અજાણ્યા ઈસમને લઈને ઘુસ્યો હતો અને ઓફિસના કાચ ઉપર ફાયરીંગ કરીને ખાતામાં કામ કરતા ત્રણ કારીગરોને નીચે બેસાડી લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.

41,000થી વધુનો મુદ્દામાલ ઝડપાયો

આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપી સચિન ધરમપાલ જાંગડાની હરીયાણા રાજ્યના ગુડગાંવ રામલીલા મેદાન પાસેથી ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી 41,000થી વધુનો મુદ્દા માલ કબજે કરી લીધો છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર લૂંટ અને મારામારી ઘટનાઓ વધતા શહેરીજનોમાં પણ હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: