સુરત જિલ્લાના બારડોલીમાં એક નજીવી બાબતે કારચાલકની હત્યા થઈ હોવાનો કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ધૂળીયા ચાર રસ્તા નજીક બે વાહનો વચ્ચે થયેલી નજીવી ટકોર બાદ બાઈકસવાર યુવકોએ કારચાલકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો. આ ઘટના ધૂળિયા ચાર રસ્તા પાસે બની હતી.


નજીવી ટકોર થતાં બાઇકસવાર યુવકો ઉશ્કેરાયા હતા

જ્યાં એક કાર અને બાઇક વચ્ચે નજીવી ટકોર થતાં બાઇકસવાર યુવકો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કારચાલકને ઢીકામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ મારામારીમાં આક્ષા નગર ગાંધી રોડ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય સુફિયાન રહેમાન શેખને જીવલેણ પ્રહાર થતા તેમનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે બાઇકસવાર આરોપીઓને ડિટેન કર્યા  

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને માર મારનાર ત્રણ બાઇકસવાર આરોપીઓને ડિટેન કરી લીધા હતા. પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સમાજમાં નાના-નાના મુદ્દાઓ પર હિંસાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. નજીવી ટકોર જેવી બાબત પર કોઈનું જીવન લઈ લેવું એ અત્યંત ગંભીર ગુનો બને છે. પોલીસે આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ઉત્તમ દાખલો બેસાડવો જોઈએ.


  • Follow us on: