Suratના ઓલપાડમાં યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતોમાં ભારે રોષ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ડાંગરનો પાક લેતા ખેડૂતોને હાલ ખાતરની તાત્કાલિક જરૂરિયાત પડી છે. પરંતુ તેમને સહકારી મંડળીઓમાંથી ખાતર મળી રહ્યું નથી. જેના કારણે તેઓ ધક્કા ખાવા મજબૂર બન્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધી પુરસોત્તમ ફાર્મસની 10 સહકારી મંડળીઓએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેમણે યુરિયા ખાતરની અછત તાત્કાલિક દૂર કરવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી.
સમયસર ખાતર નહીં મળે તો પાકના ઉત્પાદન પર માઠી અસર પડશે
ચોમાસુ ડાંગરની રોપણી કર્યા બાદ પાકમાં ખાતરનો પ્રથમ હપ્તો નાખવો અત્યંત જરૂરી હોય છે. જો ખાતર સમયસર ન મળે તો પાકના ઉત્પાદન પર માઠી અસર થતી હોય છે. ખેડૂતોમાં ચિંતા છે કે જો આ પરિસ્થિતિ જાળવાઈ રહેશે તો તેમના પાકને મોટું નુકસાન થશે અને તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. આ યુરિયા ખાતરનું ઉત્પાદન કરતો પ્લાન્ટ હજીરા ખાતે આવેલુ હોવા છતાં ખાતરની અછત સર્જાય તે આશ્ચર્યજનક બાબત છે.
ખેડૂતોની માંગ હતી કે વહેલી તકે ખાતર પૂરું પાડે
ખેડૂતો આ મામલે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમની માંગ હતી કે નજીકમાં પ્લાન્ટ હોવા છતાં જો તેમને ખાતર ન મળે તો આ વ્યવસ્થામાં કંઈક ગંભીર ખામી હશે. આ મુદ્દો માત્ર ખેડૂતોની આજીવિકા સાથે જ નહીં પરંતુ રાજ્યના કૃષિ ઉત્પાદન સાથે પણ જોડાયેલો છે. આથી સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને યુરિયા ખાતરની અછત દૂર કરવી અને ખેડૂતોને સમયસર ખાતર પૂરું પાડવું જરૂરી બન્યું છે. જેથી તેઓ આર્થિક નુકસાનમાંથી બચી શકે અને રાજ્યનું કૃષિ ઉત્પાદન જળવાઈ રહે.