સુરતના સચિન વિસ્તારમાં આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક કેદીઓથી ભરેલી એક પોલીસ બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કેટલાક પકડાયેલા આરોપીઓને ઈજા થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સુરત કોર્ટમાંથી આરોપીઓને લાજપોર જેલ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા.


ટ્રકની પાછળ પોલીસ બસ અથડાઈ હતી

અકસ્માતનું કારણ એ હતું કે પોલીસ બસ આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ અથડાઈ હતી. જેના કારણે આ ઘટના બની હતી. અકસ્માત બાદ તરત જ પોલીસ બસમાં રહેલા કેટલાક કેદીઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત આરોપીઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કેદીઓને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા

સુરત પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને તાત્કાલિક બીજી પોલીસ વાન બોલાવી હતી. તેમજ બાકીના કેદીઓને તાત્કાલીક બીજી પોલીસ વાનમાં બેસાડીને તેમના નિર્ધારિત સ્થળે એટલે કે રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાએ જેલ અને પોલીસ વાહનોની સુરક્ષા વ્યવસ્થા પર કેટલાક સવાલો ઊભા કર્યા છે. જોકે પોલીસની સમયસરની કામગીરી અને તાત્કાલિક લેવાયેલા પગલાંથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: