નવરાત્રિ પૂર્ણ થઈ અને આગામી સમયમાં દિવાળીનો તહેવાર શરૂ થશે. ત્યારે તહેવારની સિઝનમાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતાં હોય છે. જેથી મુસાફરોને સરળ મુસાફરી માટે એસટી નિગમ દ્વારા આ વખતે દિવાળીના દિવસોમાં દૈનિક એકસ્ટ્રા 2600થી વધુ એસટી બસો દોડાવવામાં આવશે. ગુજરાત માર્ગ પરિવહન નિગમના આ નિર્ણયને કારણે રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને ફાયદો થશે.


દૈનિક એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દિવાળીના દિવસોમાં એસટી નિગમ દ્વારા મુસાફરો પોતાના વતનમાં સરળતાથી પહોંચી શકે તે માટે દૈનિક એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. દૈનિક ધોરણે આ સમયગાળામાં રાજ્યના વિવિધ શહેરોમાં 2600થી વધુ બસો દોડાવવામાં આવશે. આ વર્ષે રાજ્યમાં તમામ બસ ડેપો દ્વારા 16થી 19 ઓક્ટોબર 2025 સુધી દૈનિક ધોરણે એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ ઉપરાંત સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે વધુ 1600 બસો દોડાવવામાં આવશે.

સુરતથી એક હજાર જેટલી બસોનું સંચાલન કરાશે

દિવાળીમાં પંચમહાલ અને દાહોદ તરફના શ્રમિકો પોતાના વતન સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ બસોનો લાભ મેળવી શકશે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને રામ ચોક અને મોટા વરાછાથી બસો મળી શકશે. જ્યારે અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જતા લોકોને સુરતના મુખ્ય બસ મથકેથી બસો મળી શકશે. દાહોદ અને પંચમહાલ તરફ જતા મુસાફરો માટે રામનગર, રાંદેર રોડ ખાતેના સુરત અર્બન બસ સ્ટેશન પાસેથી બસો મળી શકશે. દિવાળીના તહેવારોમાં સુરત ડિવિઝન દ્વારા લગભગ એક હજાર જેટલી બસો દોડાવવામાં આવી શકે છે.


  • Follow us on: