ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતો માટે જે રૂપિયા 10,000 કરોડનું વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે, તેને દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજ તરફથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને ઐતિહાસિક જાહેરાત ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પેકેજ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો માટે ખૂબ મોટી રાહત લઈને આવ્યું છે. ખેડૂત સમાજ વતી તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આટલું મોટું પેકેજ જાહેર થતાં દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોના ખેડૂતોમાં સંતોષની લાગણી ફેલાઈ છે.


સહકારી આગેવાનો દ્વારા પણ જાહેરાતને આવકાર

માત્ર ખેડૂત સમાજ જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. સહકારી આગેવાન અને પુરુષોત્તમ ફાર્મસ સહકારી મંડળીના પ્રમુખ મનહર પટેલે સરકારની આ જાહેરાતને આવકારદાયક ગણાવી છે. તેમણે પોતાની પ્રતિક્રિયામાં સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનના ભરપાઈ માટે સરકારે જે ત્વરિત અને ઉદાર નિર્ણય લીધો છે, તે ખેડૂતલક્ષી વલણ દર્શાવે છે. સહકારી ક્ષેત્રના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પેકેજથી ખેડૂતોને ફરીથી ઊભા થવામાં અને આગામી સિઝન માટે આર્થિક જોગવાઈ કરવામાં મદદ મળશે.

ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

ખેડૂત સમાજ અને સહકારી આગેવાનોની આ પ્રતિક્રિયાઓ સૂચવે છે કે રાજ્ય સરકારે જાહેર કરેલું રૂપિયા 10,000 કરોડનું પેકેજ ખરા અર્થમાં ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ આ જાહેરાતને સમયસર લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે, જેનાથી ખેતી અને ખેડૂતોને સીધો આર્થિક ટેકો મળશે. હવે તમામ આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે આ સહાયનું વિતરણ શક્ય તેટલી ઝડપથી અને સરળતાથી કરવામાં આવે, જેથી જરૂરિયાતમંદ ખેડૂતોને તહેવારોના આ માહોલમાં નાણાં મળી શકે.


  • Follow us on: