આવતીકાલે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે સુરતમાં 80,000થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ છે. જેને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. શહેરમાં પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન થાય તે માટે કુલ 22 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આ કૃત્રિમ તળાવોમાં 1 થી 5 ફૂટ સુધીની નાની મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે.


સુરતમાં 80,000થી વધુ મૂર્તિઓનું કરાશે વિસર્જન

આ માટે SMC દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અડજણ, પાલ અને વાઇઝેશન પાસેના કૃત્રિમ તળાવોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિસર્જન માટે આવતા લોકોને સુવિધા મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે તાજેતરમાં તાપી નદીમાં પાણીનું સ્તર વધતા નાનપુરાના ડાક્કા ઓવરા પર બનાવવામાં આવેલું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આથી તેને બંધ કરવાની ફરજ પડી છે. આ તળાવ પર વિસર્જન કરવા આવનારાઓને હવે ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

SMC દ્વારા 22 કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા

જેથી ટ્રાફિક અને ભીડનું સંચાલન સરળતાથી થઈ શકે. જે ગણેશ મૂર્તિઓનું કદ મોટું છે અથવા જે લોકો કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઈચ્છે છે. તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મગદલ્લા, ડુમ્મસ અને હજીરા ખાતે દરિયાકિનારે મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. SMC દ્વારા વિસર્જન સ્થળો પર પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. આ રીતે તંત્ર દ્વારા સુરતમાં ગણેશ વિસર્જન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


  • Follow us on: