સુરત શહેરમાં ગુનાખોરી નિયંત્રણમાં લેવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે સુરત પોલીસે એક બહુ મોટી ઓપરેશનલ કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનરેટના ઝોન 1 થી 7 ની હદમાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના રીઢા અને ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારો સામે તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જ સમયે 1000થી વધુ આરોપીઓને એકત્ર કરવામાં આવ્યા હતા, જેને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


150થી વધુ ડ્રગ્સ પેડલર્સ સામે અટકાયતી પગલાં

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર કરાયેલા બદમાશોમાં મોટાભાગના એવા તત્વો હતા જે અગાઉ ધારીયા, તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે પકડાયા હોય અથવા હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા હોય. આ ઉપરાંત શહેરને નશાના દૂષણથી મુક્ત કરવાના અભિયાન હેઠળ ડ્રગ્સ અને અન્ય માદક પદાર્થોના કેસોમાં ઝડપાયેલા 150થી વધુ ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સને પણ અહીં લાવી તેમની સામે કડક અટકાયતી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

તમામ ગુનેગારોનું હિસ્ટ્રીશીટ અપડેટ

આ વ્યાપક કોમ્બિંગ અને પરેડ દરમિયાન સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ આરોપીઓની આખી કુંડળી ખંખોળવામાં આવી હતી. સ્થળ પર જ તમામ 1000થી વધુ આરોપીઓના વર્તમાન નામ, રહેઠાણના ચોક્કસ સરનામાં, તેમના ફોન નંબર અને તેઓ હાલ શું કામ-ધંધો કરે છે તેની ઝીણવટભરી વિગતો એકત્રિત કરીને પોલીસ ડેટાબેઝ અપડેટ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસની આ કડક કાર્યવાહીએ ગુનેગારોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે જો શહેરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો તો ખાખી આનાથી પણ વધુ કડક હાથ કામ લેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: