સુરતમાં ખાડી પૂરના કારણે લોકોનું જનજીવન ખોરવાયુ છે. ચોમાસાની સિઝનના આરંભે જ જૂનના મધ્યમાં શહેરમાં ભારે અને અતિભારે વરસાદનું જોર જોવા મળ્યું હતું. ધોધમાર અવિરત વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 30 ટકાથી વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી.
વરસાદના કારણે જીનજીવન ખોરવાયું
છેલ્લા કેટલાક સમયથી વરસાદે સુરતને બાનમાં લીધું છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વરસાદી આફત વચ્ચે ખાડીપૂરના કારણે સુરતવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ વિરામ લીધા બાદ પણ સોસાયટીમાં ભરાયેલા ખાડીપૂરના પાણીનો નિકાલ ના થતા લોકોમાં રોષ જોવા મળ્યો. હવે સ્થાનિકોની સાથે ખાડી પૂરને લઇને NSUIએ પણ વિરોધમાં ઝંપલાવ્યું છે.
NSUIનું વિરોધ પ્રદર્શન
મનપાની સામાન્ય સભા પહેલા NSUI વિરોધ પ્રદર્શન કરતાં ભાજપ અને મનપાના હોદ્દેદારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. ખાડીપૂરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળશે. સામાન્ય સભા પહેલા nsui અને કોંગ્રેસનો મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ સત્તાધીશો અને હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા સાથે વિરોધ કર્યો હતો.
મનપાને આડે હાથ લીધી
સ્થાનિકોના રોષ બાદ nsuiના કાર્યકર્તાએ આકરો વિરોધ કરતાં કહ્યું કે સુરતમાં ખાડી પૂરના પાણી રોકાતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા છે. તેવા શબ્દો સાથે પણ વિરોધ કરાયો. સુરતમાં ખાડીપુર રોકાતું નથી અને વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરતા લોકો ઢાંકણીના પાણીમાં ડૂબીમરોના નારા લગાવ્યા. વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
ખાડીપૂરના કારણે સ્થાનિકોમાં રોષ
જણાવી દઈએ કે સુરતમાં ભારે વરસાદના કારણે નદી અને ડેમ ઓવરફલો થયા હતા. જયારે ખાડીપૂરમાં પણ ધોધમાર વરસાદના કારણે પૂર આવતા સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. ખાડીપૂરના કારણે પર્વત ગામની એક સોસાયટીમાં વરસાદ બંધ થયા બાદ પાણીનો નિકાલ ના થતા રહીશોમાં રોષ જોવા મળ્યો. આ સોસાયટીના નારાજ રહીશોએ તંત્ર અને નેતાઓ સામે રોષ ઠાલવતા બેનર લગાવ્યા હતા. આ બેનરમાં લખ્યું હતું જ્યાં સુધી સુધી ખાડીપૂરના પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈપણ પક્ષવાળાએ આ વિસ્તારમાં વોટ માંગવા આવવું નહીં.