સુરતમાં એક પાટીદાર શિક્ષિકાના આપઘાતના કેસને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ ઘટના બાદ ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને સમાજના અનેક અગ્રણીઓએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા આપીલ કરી હતી.
પાટીદાર અગ્રણીઓએ પોલીસને રજૂઆત કરી
મળતી જાણકારી અનુસાર, પાટીદાર સમાજના જાણીતા અગ્રણીઓ જેવા કે મુકેશ પટેલ, લાલજી પટેલ, મથુર સવાણી, વેલજી સેટા, કેશુભાઈ ગોટી, ધરમભાઈ લાઠીયા અને જીવરાજ ધારુકાનકી સહિતના નેતાઓ અને આગેવાનો પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર પાટીદાર સમાજ શોકમગ્ન અને રોષે ભરાયેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે.
મહિલા સુરક્ષાને લઈને ગંભીર સવાલ
આ સિવાય પાટીદાર અગ્રણીઓએ કમિશનર સમક્ષ આગ્રહ કર્યો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને સામાજિક સુરક્ષાનું વાતાવરણ નિર્માણ કરવામાં આવે. વધુમાં પાટીદાર સમાજ દ્વારા આ મામલે ન્યાય ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પોલીસ કમિશનરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.