સુરતમાં ચોમાસાના આરંભે મુશળધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાણી અને ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. સુરતમાં બદલતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી છે. ચોમાસાની ઋતુના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા, ઉલટી, શરદી- ખાંસી, તાવ જેવા રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ 10 થી 12% ના કેસો સુરત સિવિલ હોસ્પિટલમાં વધી રહ્યા છે.


સુરતમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો 

સુરતમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત 10ના મોત થયા છે. જૂન મહિનામાં નવી સિવિલ હોસ્પિટલમાં 223 મેલેરીયા 113 ડેન્ગ્યુ સહિત મોસમી રોગોના કુલ 733 દર્દીઓ દાખલ થયા હતા. વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું દૂષિત પાણી પ્રવેશ્યું હતું. દૂષિત પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો મલેરીયા અને ડેન્ગ્યુ ઉપરાંત હેપેટાઈટીસ ,ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો તેમજ ચામડી પર ખંજવાળના દર્દીઓમાં વધારો થયો છે.

બદલતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર 

શહેરમાં જૂન મહિનાના અંતમાં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ધોધમાર વરસાદના કારણે શહેરમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ભરાતા ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું. વરસાદ ધીમો થયા બાદ પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી ના ઓસરતા તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી. વરસાદી પાણી ભરાતા શહેરમાં ફલૂ, તાવ, અને શરદી-ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.


  • Follow us on: