સુરત શહેરમાં GEB તાર ફરી મોતના તાર સાબિત થયા છે. વરસાદ અને વાવાઝોડા જેવા વાતાવરણમાં તાર તૂટવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ આવામાં જો વહેલી તકે તેની તકેદારી રાખીને જો તારને જોડવાની કામગીરી કરવામાં ન આવે તો આવી કરુણ ઘટનાઓ ઘટતી હોય છે. ચોમાસામાં જ્યારે ઠેરઠેર વાવાઝોડાના કારણે તારનું તૂટવું, વૃક્ષો ધરાશાયી થવા અને વીજળી પડવાની ઘટનાઓ બનતી હોય છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના ઘટીત થઈ છે જેમાં ઈલેક્ટ્રિક લાઈટનો તાર તૂટી ગયો હતો આ તાર તૂટ્યાની જાણ GEBના અધિકારીઓને ન હોવાના કારણે રીપેરીંગ કામ કરવામાં આવ્યું ન હતું. જેને લઈને શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં 3 ગાયોને કરંટ લાગતા મૃત્યુ પામી હતી. આથી પશુપાલકો રોષે ભરાયા હતા.


GEB સામે પશુપાલકો રોષ ભરાયા

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ત્રણ ગાય પર ઈલેક્ટ્રિક લાઈટના જીવતા તાર પડતા ઘટના સ્થળે જ ત્રણે ગાયના મોત કરંટ લાગવાથી થયા હતા. પહેલા પણ આવી જ રીતે GEB ના જીવતા તાર ગાયો પર પડતાં મોત થયા હતા જેથી પશુપાલકો રોષે ભરાયા છે. જેને લઈને GEB સામે પશુપાલકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓ વારંવાર બને છે પરંતુ GEB ના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ઝડપી તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી માટે જ આવી ઘટનાઓ વારંવાર બને છે. પશુપાલકો પોતાના પશુનો જીવ આવી રીતે જાય તે જોઈ શક્તા નથી.

GEB તંત્ર નિંદ્રામાં

GEB દ્વારા જો સમયસર વીજળીના તારને રિપેરીંગ કરવામાં આવ્યા હોત તો ત્રણેય ગાયના જીવ બચી ગયા હોત. GEB તંત્ર તેની કામગીરી પ્રત્યે જાગૃત બને અને વહેલામાં વહેલી તકે જ્યાં પણ આવા તૂટેલા તાર હોય અથવા જાહેર સ્થળોએ કરંટ લાગવાની સંભાવના હોય તેવા તમામ સ્થળોની તપાસ કરી તેનું રિપેરીંગ કામ કરવું જોઈએ. જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય. ઘણીવાર સમયસર લોકો દ્વારા તેની જાણકારી પહોંચાડવામાં આવતી નથી જેને કારણે પણ આવી ઘટનાએ બનતી હોય છે. પશુપાલકોએ પણ પોતાના પશુઓને ચોમાસા દરમિયાન વધુ સાચવવા જોઈએ.

  • Follow us on: