સુરતમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિમાં ખાડીના પાણી ગામો અને શહેરોમાં ઘૂસી જતાં સર્જાયેલા વિનાશ બાદ આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે. જાનહાનિ અને કરોડો રૂપિયાના નુકસાન પછી તંત્રની ઊંઘ ઊડી છે, અને હવે ખાડી પરના નડતરરૂપ બ્રિજોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી, જે ઘણા સમય પહેલા થવી જોઈતી હતી. આ કાર્યવાહી દર્શાવે છે કે, તંત્ર હંમેશા કુદરતી આફતોના નિવારણ કરતાં તેના પરિણામો ભોગવ્યા પછી જ જાગે છે.


સ્થાનિકોમાં રોષના કારણે તંત્ર દ્વારા કાર્યવાહી

મહત્વનું છે કે, વરસાદી પાણીના પ્રવાહને અવરોધતા આ બ્રિજો અને ખાડી આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી બેરોકટોક થતા દબાણો સામે આંખ આડા કાન કરનાર તંત્રને હવે લોકોના રોષ અને નુકસાનનો સામનો કરવો પડતાં કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ દબાણો જળનિકાલમાં સૌથી મોટી અડચણરૂપ હતા અને તેના કારણે જ પાણીનો ભરાવો થયો હતો. એટલું જ નહીં, ખાડીની આસપાસ કચરાના ઢગલા પણ જોવા મળ્યા છે. આ કચરો માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડતો નથી, પરંતુ તે ખાડીના પ્રવાહને પણ અવરોધે છે, જેના કારણે પાણીનો ભરાવો વધુ ગંભીર બને છે. આ કચરાના ઢગલા તંત્રની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી અને નાગરિકોની પણ પર્યાવરણ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે.

સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ

આ "એક્શન" મોડ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ભવિષ્યમાં આવી આફતો ન સર્જાય તે માટે કાયમી ઉકેલો લાવવામાં આવે. માત્ર તાત્કાલિક પગલાં ભરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. તંત્રએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે અને દબાણો સામે કડક હાથે કામ લેવું પડશે, નહીં તો આગામી વરસાદની ઋતુમાં ફરીથી આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. શું તંત્ર આમાંથી બોધપાઠ લઈને ખરેખર કાયમી સમાધાન તરફ આગળ વધશે કે પછી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માનશે?


  • Follow us on: