સુરતમાં હીરા બજારમાં કામ કરતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. એક તરફ બેરોજગારી અને બીજી તરફ આવક બંધ થઈ જવાથી પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે સૌથી મોટી મુશ્કેલી છે. ત્યારે આ રત્ન કલાકારોના બાળકોના ફોર્મ શાળામાંથી રદ કરી નાંખવામાં આવતા તેમના બાળકોના શિક્ષણ સામે પણ સવાલ ઉભો થયો છે.


મજૂરીમાંથી રોજના 300 રૂપિયા મળે છે

રત્ન કલાકારોએ કહ્યું હતું કે, સુરતના એક હજાર કરતાં વધુ રત્ન કલાકારોએ આરટીઆઈ કરી છે. અમારા બાળકોના ફોર્મ શા માટે રદ કરવામાં આવ્યા તે અમને કહેવાયું નથી. બીજી વખત ફોર્મ ભર્યું તે પણ રદ કરી દેવાયું છે. એક રત્ન કલાકારે કહ્યું હતું કે, છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે બેઠો છું. છૂટક મજૂરી મળી જાય તો કરૂ છું. જે મહિને પાંચથી સાત વાર મળી જાય છે. આ મજૂરીમાંથી રોજના 300 રૂપિયા મળે છે. મારી પત્ની સાડીમાં સ્ટોન લગાવી રોજના 200 રૂપિયા મેળવે છે.

આ બેકારીમાં ઘરનો ખર્ચો કઈ રીતે કરવો તે સમજાતુ નથી

અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. આ બેકારીમાં ઘરનો ખર્ચો કઈ રીતે કરવો તે સમજાતુ નથી. પહેલા હું મહિને 30થી 35 હજાર રૂપિયા કમાતો હતો. પરંતુ હિરાની મંદીમાં મારા જેવા અનેક રત્નકલાકારોની નોકરી છૂટી ગઈ છે. રત્ન કલાકાર સહાય યોજના આવી હતી તો આશા જાગી હતી. બાળકોની સ્કૂલની ફી માફ થશે પણ હવે સ્કૂલમાંથી બાળકોના ફોર્મ રદ કરી દેવાયા છે. ફી નહીં ભરીએ તો બાળકોનો અભ્યાસ બગડશે. સરકારે ફરી રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી અંગે ચર્ચા કરવી જોઈએ.


  • Follow us on: