આવતીકાલે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે. બીજી બાજુ ઓપરેશન સિંદૂરને લઈને સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોના નામ બદલવાની માગ ઉઠી હતી. જેમાં સુરતના રામનગરમાં એક વિસ્તાર પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારનું નામ બદલીને હવે હિન્દુસ્તાન મહોલ્લો રાખવામાં આવ્યું છે. આજે આ મહોલ્લાના નામની તકતીનું અનાવરણ કરાયુ હતું.


મહોલ્લાનું નામ હિન્દુસ્તાન મહોલ્લા કરાયુ

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના રાંદેર ઝોનમાં સ્થિત રામનગર વિસ્તારમાં એક જૂના વિસ્તારને પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખવામાં આવતો હતો. આ વિસ્તારનું નામ બદલવા માટે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રજૂઆત કરી હતી. તેમની રજૂઆત બાદ આ વિસ્તારનું નામ બદલીને હિન્દુસ્તાન મહોલ્લો કરવા મંજૂરી મળી હતી. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, તેમણે 2018માં મહાનગર પાલિકાને આ વિસ્તારનું નામ બદલવા માટે રજૂઆત કરી હતી.

સાંસ્કૃતિક સમિતિએ સુધારીને "હિન્દુસ્તાન મહોલ્લો કર્યું

પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, 2018માં મેં લખેલા પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર 2018ના રોજ મહાનગર પાલિકાની સમિતીએ પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો રાખવાનું નક્કી કર્યું હતું. મહાનગર પાલિકાના આ નિર્ણયને આજે સત્તાવાર રીતે અમલી કરાયો છે. આજથી આ વિસ્તાર હિન્દુસ્તાન મહોલ્લા તરીકે ઓળખાશે.આ વિસ્તારના લોકોના સરકારી દસ્તાવેજોમાં પણ નવું નામ જોડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે.


  • Follow us on: