સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરમાંથી એક ચોંકાવનારો વહીવટી છબરડો સામે આવ્યો છે. અહીં ફરજ બજાવતા એક-બે નહીં પરંતુ કુલ 6 જેટલા કર્મચારીઓની અત્યંત મહત્વની ગણાતી ‘સર્વિસ બુક’ ક્યાંક ગાયબ થઈ ગઈ છે. આ ઘટના બહાર આવતા જ મનપાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને કર્મચારી આલમમાં ભારે ફફડાટ સાથે દોડધામ મચી ગઈ છે.


એક બુક શોધવા જતાં ખૂલ્યો મોટો ભોપાળો

મળતી માહિતી મુજબ, શરૂઆતમાં સાયન્સ સેન્ટરના વહીવટી વિભાગને કોઈ કામ અર્થે એક કર્મચારીની સર્વિસ બુકની જરૂર પડી હતી. જોકે, ઓફિસના કબાટો અને રેકોર્ડ રૂમ ફેંદી મારવા છતાં તે બુક મળી આવી નહોતી. શંકાના આધારે સત્તાધીશોએ જ્યારે અન્ય કર્મચારીઓના રેકોર્ડની પણ ચકાસણી હાથ ધરી, ત્યારે તંત્રના હોશ ઊડી ગયા હતા. આ આકસ્મિક તપાસમાં સામે આવ્યું કે કુલ 6 કર્મચારીઓની સર્વિસ બુક ઓફિસમાંથી ગાયબ છે. આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજો ગુમ થતાં સવાલો ઊભા થયા છે.

ભવિષ્યને લઈને કર્મચારીઓ ચિંતિત, તપાસ તેજ

કોઈપણ સરકારી કે મનપાના કર્મચારી માટે સર્વિસ બુક એ તેના આખા કરિયરનો અરીસો હોય છે. તેમાં કર્મચારીની પ્રથમ નિમણૂકથી લઈને તેના પ્રમોશન, બદલી, રજાઓ, પગાર વધારો અને નિવૃત્તિ સુધીની તમામ નાની-મોટી કાયદેસરની વિગતો નોંધાયેલી હોય છે. આ દસ્તાવેજ વગર ભવિષ્યમાં પેન્શન કે નિવૃત્તિના અન્ય લાભો મેળવવામાં મોટો અવરોધ આવી શકે છે. આ જ કારણસર અસરગ્રસ્ત કર્મચારીઓ પોતાના ભવિષ્ય અને નોકરીની વિગતોને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.

 ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી

આ ગંભીર લાપરવાહીને પગલે સાયન્સ સેન્ટર ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે મનપાના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. હાલમાં આ ગુમ થયેલા રેકોર્ડને શોધવા માટે મનપાના વિવિધ સંબંધિત વિભાગો સાથે પત્રવ્યવહાર શરૂ કરીને આંતરિક તપાસનો દોર ખૂબ જ તેજ કરી દેવામાં આવ્યો છે.


આ  પણ વાંચો----    Gujarat Latest News LIVE : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી

  • Follow us on: