સુરતમાં અસમાજિક તત્વો બેફામ બન્યા છે. ઉધનામાં અસમાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. અસમાજિક તત્વોએ કુરિયરના ગોડાઉનમાં પેટ્રોલ છાંટી આગ લગાવી. ગોડાઉનમાં આગ લાગતા તે આસપાસના વિસ્તારોમાં પ્રસરી હતી. કુરિયરના ગોડાઉનમાં આગચંપીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સમગ્ર મામલે પોલીસની કામગીરીમાં ઢીલી નીતિના કારણે આરોપીઓ સાથે સાઠગાંઠની શંકા સેવાઈ રહી છે.
લુખાતત્ત્વો ગોડાઉનમાં ઘૂસ્યા
ગતરાત્રિએ સુરતમાં ફરી પાછા વરસાદનું ભારે જોર જોવા મળ્યું. ત્યારે વરસાદી વાતાવરણનો લાભ લઈ 5 થી 6 જેટલા લુખાતત્વો પોતાના કુટિલ કારનામાને અંજામ આપવા નીકળ્યા. ઉધનાના ભાઠે વિસ્તારમાં આવેલ કુરિયરનું ગોડાઉના ગતરાત્રિએ અસમાજિક તત્વોના નિશાના પર હતું. લુખાતત્વો દ્વારા કુરિયરના ગોડાઉનમાં પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાના સામે આવેલ સીસીટીવીમાં દેખાય છે કે 21 જુલાઈની રાત્રિ 2.45 વાગ્યાના સમયની આસપાસ ગોડાઉનમાં કેટલાક શખ્સો ગેરકાયદેર રીતે પ્રવેશ કર્યો હતો.
ગોડાઉનની આગ ઘરોમાં પ્રસરી
આ લોકોએ કુરિયરના બંધ ગોડાઉનમાં પ્રવેશ કરવા બહારથી તેનું તાળું તોડ્યું. આમાંથી કેટલાક લોકોએ બુકાની બાંધી હતી. જ્યારે કેટલાક લોકો બેખોફ બની કુરિયરના ગોડાઉનમાં મોડી રાત્રે ઘૂસી ગયા. ગોડાઉનમાં ઘૂસ્યા બાદ માલસામાનને એક જગ્યા પર ભેગો કરી પછી પેટ્રોલ છાંટી આગ લગાડી. આગચંપી કરતા એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો અને બહાર દોડ્યો હોવાનું સીસીટીવીમાં દેખાય છે. ગોડાઉનમાં લાગેલ આગ આસપાસના ઘરોમાં પણ પ્રસરી હતી.
સ્થાનિકોમાં ઉઠયા સવાલ
શહેરમાં ભાઠા વિસ્તારમાં આવેલ કુરિયર કંપનીમાં ધંધાની હરિફાઇમાં આગ લગાડવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. આગની ઘટનામાં ગોડાઉનમાં રાખવામાં માલસામાન બળીને ખાખ થયો. આગની ઘટનામાં કુરિયર કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું. ક્રિષ્ના યાદવ અને તેની ગેંગ દ્વારા કુરિયર કંપનીના ગોડાઉનમાં આગ લગાડવામાં આવી. આ ઘટનાની સીસીટીવી પણ સામે આવ્યા છે અને છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના થતા સ્થાનિકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.