સુરત શહેરમાં નકલી ઘી, તેલ અને મસાલા બાદ હવે નકલી વોશિંગ પાવડર બનાવવાનું મસમોટું નેટવર્ક ઝડપાતા ચકચાર મચી ગઈ છે. સુરતની ઉત્રાણ પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક રેડ પાડી હતી. આ રેડ દરમિયાન જાણીતી અને બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચાતો ડુપ્લિકેટ વોશિંગ પાવડર અને લિક્વિડનો મોટો જથ્થો મળી આવ્યો છે.


નામાંકિત કંપનીઓના નામે થતું હતું વેચાણ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ખતરનાક રેકેટ પાછલા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં સક્રિય હતું. ખામીયુક્ત અને કેમિકલયુક્ત સસ્તો પાવડર લાવીને તેને જાણીતી બ્રાન્ડના પેકિંગમાં ભરીને અસલી તરીકે વેચી દેવામાં આવતો હતો. પોલીસે ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ પાવડર, પ્રવાહી, બ્રાન્ડેડ કંપનીઓના લોગોવાળા સ્ટીકરો, પ્લાસ્ટિકના ખાલી ડબ્બા અને પેકિંગ કરવાનું મશીનરી સહિતનો તમામ સામાન કબ્જે કર્યો છે.

3 ભેજાબાજોની અટકાયત

આ ગેરકાયદે કાળા કારોબારમાં સંડોવાયેલા 3 શખ્સોની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ સામાન્ય નાગરિકોની આંખમાં ધૂળ નાખીને સસ્તા ભાવે માલ વેચી મોટી કમાણી કરતા હતા.

ઉત્રાણ પોલીસે આ મામલે ગુનો નોંધીને પકડાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કે, આ ડુપ્લિકેટ વોશિંગ પાવડર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની કઈ-કઈ દુકાનો કે સુપર માર્કેટમાં સપ્લાય કરવામાં આવતો હતો. આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Surat : અડાજણ ચાર રસ્તા પાસે મેડિકલ સ્ટોરમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઈટરની 6 ગાડીઓએ મોરચો સંભાળ્યો


  • Follow us on: