સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામમાં ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા રસ્તો બનાવી દેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એકઠા થઈને આ ગેરકાયદેસર બાંધકામનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આખરે JCB મશીન વડે રસ્તો દૂર કરાવવામાં આવ્યો હતો.


ઇન્ડસ્ટ્રીયલ પાર્કે રસ્તો બનાવી દેતા વિરોધ

તમને જણાવી દઈએ કે, લાડવી ગામમાં આવેલી ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલકો દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. ગૌચરની જમીન પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી હોય છે અને તેના પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું ગેરકાયદેસર ગણાય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સુડાના અધિકારીઓએ આ રસ્તો બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી જે ગૌચર કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ મામલે ગ્રામજનોએ સંગઠિત થઈને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને તંત્ર સમક્ષ રસ્તો હટાવવાની માંગ કરી હતી.

JCB મશીનથી રસ્તો દૂર કરવામાં આવ્યો

ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને રજૂઆતોને પગલે તંત્રએ કાર્યવાહી કરવી પડી હતી. આખરે, જેસીબી મશીન દ્વારા ગૌચરની જમીન પર બનાવેલો આ રસ્તો દૂર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ગૌચરની જમીનોના રક્ષણ અને સરકારી અધિકારીઓની મિલીભગત સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોએ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે.


  • Follow us on: