સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મળી રહેલા મૃતદેહોએ ભય અને ચિંતાનો માહોલ ફેલાવી દીધો છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં કુલ પાંચ મૃતદેહ મળી આવતા પોલીસ તત્ર્ણમાં દોડધામ મચી ગઈ છે અને લોકોમાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. આ ઘટનાઓમાં સૌથી નવો કિસ્સો રીવરફ્રન્ટ રોડની બાજુમાં આવેલી ભોગાવો નદીમાંથી મળેલા એક યુવકના મૃતદેહનો છે, જેના કારણે પોલીસ અને ફાયર ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં વધુ એક મૃતદેહ મળ્યો
આ ઘટનાની વિગતો મુજબ, સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ નજીકથી પસાર થતા લોકોએ ભોગવા નદીના કિનારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ જોયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃતદેહની ઓળખ કરવા અને તેના મોતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
છેલ્લા ત્રણ દિવસમાં પાંચ મૃતદેહો મળ્યા
જોકે, આ એકમાત્ર ઘટના નથી. છેલ્લા ત્રણ દિવસમાં સુરેન્દ્રનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ પાંચ મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાઓ એક પછી એક બનતાં શહેરના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે, આ મૃતદેહો કોના છે, તેમનું મૃત્યુ કુદરતી રીતે થયું છે કે પછી આ કોઈ ગુનાહિત કૃત્યનો ભાગ છે. તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બાહર આવી નથી.