આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અને “તિરંગા યાત્રા” યોજાશે. જેના ભાગરૂપે આજે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આગામી તા.૧૪ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


“હર ઘર તિરંગા” અભિયાનને વધુ વેગવાન બનાવવા નાગરિકોને અપીલ

આ બેઠકમાં કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે “હર ઘર તિરંગા” અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તેવું સુદ્રઢ આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. અભિયાન વિશેની જાણકારી આપતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં તા. ૦૨ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. બીજો તબક્કો તા. ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા યોજાશે.

નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

જ્યારે ત્રીજો તબક્કો તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ અને સ્વતંત્રતા દિવસની તૈયારી અને ઉજવણી સાથે યોજાશે. વધુમાં તેમણે રાષ્ટ્રધ્વજનું માન જળવાય તથા પુરા સન્માન સાથે તિરંગો લહેરાવાય તે પ્રકારે સુચારૂ આયોજન કરવા સંબધિત વિભાગનાં અધિકારીશ્રીઓને સૂચિત કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

  • Follow us on: