સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના અંતરિયાળ એવા શીરવાણીયા ગામે વીજ વિભાગ દ્વારા લોયા ફીડરમાંથી અપાતી ખેતીવાડી માટેની લાઇનમાં સર્જાયેલા વીજ ધાંધિયાથી ખેતી પાકો બળવાની અણી પર જોવા મળી રહ્યા છે. વરસાદે લાંબો વિરામ લેતા હાલ ખેત પાકોને પાણી પાવાની તાતની જરૂરિયાતના સમયે જ તંત્ર દ્વારા અપાતા આઠ કલાક પાવરમાં પણ વારંવાર ખામી સર્જાઈ પુરવઠો બંધ રહેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.


મુખ્ય ઈજનેર ગેરહાજર રહેતા ખેડૂતોએ કર્યો હલ્લાબોલ

શીરવાણીયા,ગઢ તેમજ ખીંટલા તેમજ વાંટાવચ્છ જેવા ગામોના ખેતીવાડી વીજ જોડાણોમાં લોયા ફીડર માંથી અપાતા પુરવઠામાં ખાસ કરીને શીરવાણીયા ગામમાં મળવા પાત્ર આઠ કલાકના વીજ પુરવઠામાં પાવર કટની સમસ્યા રોજિંદી બનતા ખેત પેદાશોને મોટુ નુકસાન થવાની સંભાવના જગતના તાતમાં જોવા મળી રહી છે. આજરોજ શિરવાણીયા ગામના આ સમસ્યાથી અસરગ્રસ્ત ખેડૂતો સાયલા વીજ કચેરી પર પહોંચ્યા હતા પણ ત્યાં મુખ્ય ઇજનેર ગેરહાજર જોવા મળતા હોબાળો મચાવ્યો હતો.

ખેડૂતોએ કહ્યું વીજ પાવર નહી આપો તો ખેતપાકને નુકસાન થશે

થોડીવાર બાદ જુનિયર ઇજનેર દ્વારા રજૂઆતકર્તા ખેડૂતોને મળી તેમની વ્યથા સાંભળી આ બાબતે તુરંત કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવતા ટોળું શાંત થયું હતું. સરકાર દ્વારા ખેડૂતો માટે બે કલાક વધારી દસ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાતો વચ્ચે સાયલા ગ્રામ્યમાં સર્જાયેલ પાવર કટની સમસ્યાથી જગતનો તાત રોષે ભરાયેલા છે ત્યારે આવેલ ખેડૂતોએ હાજર અધિકારીને અમારે દસ કલાક પાવર નથી જોઈતો અમને આઠ કલાક પૂરતો પાવર આપોની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે સાયલા તાલુકામાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા હાલ ખેતપાકોને બચાવવા પાણી પાવું અત્યંત જરૂરી છે ત્યારે જ થતા વીજ ધાંધિયાને કારણે જો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો ખેડૂતોને રાતે પાણી એ રોવાનો વારો આવશે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

  • Follow us on: