સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ટોકરાળા ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ટોકરાળા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની દીવાલનો એક ભાગ નબળો પડી ગયો છે અને તે ગમે ત્યારે તૂટી પડવાની તૈયારીમાં છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી છે અને તેનું માળખું જર્જરિત થઈ ગયું છે. આ સ્થિતિને કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં મોટો ડર ફેલાયો છે.
ઢાંકી-વલ્લભીપુર કેનાલમાં ગાબડું પડવાની ભીતિ
જો આ કેનાલમાં ગાબડું પડશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળશે. આના પરિણામે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે અને ખેતરો બેટમાં ફેરવાઈ જવાનો ભય છે. આ ઉપરાંત કેનાલની આસપાસની જમીન પર રહેતા લોકો માટે પણ આ એક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આ બાબતે નર્મદા વિભાગનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.













