તાપીના વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ આદિવાસી પરિવારોના ખાતામાં કરોડોનો બેનામી વ્યવહાર થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં જ રહેતા એક દંપતી દ્વારા ગરીબોને વાર્ષિક 2500 રૂપિયાની સહાય આપવાની લાલચ આપી બેંકમાં ખાતા ખોલાવી 90 થી વધુ આદિવાસીઓના બેંક ખાતામાં આર્થિક ગોટાળો આચરાયો છે. સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લામાં વાલોડ ઉપરાંત જિલ્લાના વ્યારા સહિતના ગામડાઓમાં પણ કૌભાંડ આચરાયું હોવાની આશંકા વર્તાઈ રહી છે.
ગરીબોના ખાતામાં કરોડોનો બેનામી વ્યવહાર થયો
વાલોડ તાલુકાના ભીમપોર ગામે નરેશ ભીમજી ચૌહાણે પોતાની પત્ની અમિતા ચૌહાણ સાથે મળી ગામની ખાસ કરીને વિધવા બહેનોને વિશ્વાસમાં લઈ દાન આપવામાં આવશે તેવી આશા જગાવી હતી. બેંક ખાતું ખોલાવી દર વર્ષે 2500 રૂપિયા આપી ગરીબ પરિવારોના બેંક ખાતામા જાણ બહાર બેનામી રીતે કરોડો રૂપિયાના વ્યવહાર કરાવી છેતરપિંડી આચરી ગુનો આચરતાં વાલોડ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
આદિવાસીઓના બેંક ખાતામાં આર્થિક ગોટાળો આચરાયો
ભીમપોર ગામમાં એક- એક ખાતામાં 6 - 6 કરોડના ત્રાહિત વ્યક્તિ દ્વારા વ્યવહાર કરવામાં આવતાં ગરીબ આદિવાસી પરિવારોને સરકારી યોજનાકીય લાભોથી વંચિત થવાનો વારો આવ્યો છે. કાચા ઘરોમાં રહેતા આ આદિવાસી પરિવારોએ કોઈ દિવસ આટલા 6-6 કરોડ રૂપિયા જોયા પણ નથી ત્યારે પોતાનાં બેંક ખાતામાં આટલી મોટી રકમનાં વ્યવહાર થયો હોવાની જાણ થતાં લોકો આંચકો અનુભવી રહ્યા છે. આ ગામમાં 500 કરોડથી વધુનો ગરીબ આદિવાસી લોકોનાં ખાતામાં આર્થિક વ્યવહાર કરાયો હોવાનું પ્રાથમિક ધોરણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોના દ્વારા આટલા મોટા વ્યવહાર કરાયો ? અને કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી અને કોની પાસે ગયા ? તે તો તપાસ દરમિયાન જ બહાર આવશે. જોકે સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય અને આરોપીઓને ઝડપી કડકાઈથી કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યાં છે.