વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ લોકોના બેંક ખાતામાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. વાલોડ પોલીસે આ પ્રકરણમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. આ કૌભાંડમાં ભીમપોર ગામના દંપતી નરેશ ચૌહાણ અને અમિતા ચૌહાણ તેમજ સુરતના એક એજન્ટ રુઝલ શાહની સંડોવણી સામે આવી છે.
વાલોડ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
આ ત્રણેય આરોપીઓએ ચેરિટીના નામે ગરીબ અને નિરક્ષર વ્યક્તિઓને છેતરીને તેમના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા. ત્યારબાદ આ ખાતાઓમાં કુલ 3 કરોડ 71 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ રીતે કુલ 54 વ્યક્તિઓના ખાતાઓનો ઉપયોગ કરીને આ વહીવટનું કારસ્તાન આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બેંકના અધિકારીઓને આ ખાતાઓમાં મોટા પ્રમાણમાં થતા વ્યવહારો પર શંકા ગઈ.













