બનાસકાંઠાના થરાદ પંથકમાં રવિવારે પડેલા અતિ ભારે વરસાદ બાદ આખો પંથક જળબંબાકાર થઇ ગયો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હજું ઘણા સ્થળોએ આજે ત્રણ દિવસ પછી પણ પાણી ઓસર્યા નથી અને અનેક સોસાયટીઓ તથા ગાડીઓ પાણીમાં ગરકાવ થઇ ગયેલી છે. છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા પાણીનો નિકાલ હજું તંત્ર કરી શક્યું નથી.


શહેરમાં ત્રણ દિવસ પછી પણ પાણી ઉતર્યું નથી

થરાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ત્રણ દિવસ પછી પણ યથાવત જ છે. રવિવારે અતિભારે વરસાદ ખાબકવાના કારણે થરાદ શહેર પાણી પાણી થઇ ગયું હતું લઅને હજું પણ શહેરમાં ત્રણ દિવસ પછી પણ પાણી ઉતર્યું નથી અને કેડસમું પાણી જોવા મળી રહ્યું છે.

પાણી નિકાલ માટે વ્યવસ્થા જ કરાઇ નથી

વરસાદ રોકાઇ ગયો હોય તો ત્યાર પછી નગરપાલિકાએ જળબંબાકાર વિસ્તારમાંથી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઇતી હતી જેથી લોકોને રાહત મળી શકે છતાં ત્રણ દિવસ પછી પણ થરાદ નગરપાલિકા પાણીનો નિકાલ કરવામાં ઉણું ઉતર્યું છે. થરાદ નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો સમગ્ર થરાદમાં જોવા મળી રહ્યા છે.

થરાદમાં અનેક સોસાયટીઓ, ગાડીઓ પાણીમાં

જળબંબાકારની સ્થિતી હોવાના કારણે હજું પણ થરાદમાં અનેક સોસાયટીઓ, ગાડીઓ પાણીમાં ગરકાવ થઇ ગયેલી જોવા મળે છે તો મામલતદાર કચેરી જવાના રસ્તા પર પણ પાણી જ પાણી જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો પરેશાન થઇ ગયા છે અને ઘરની બહાર પણ નિકળી શકે તેમ નથી. પાણી નિકાલ માટે તંત્રની કોઇ વ્યવસ્થા નહિ હોવાનું સમગ્ર થરાદ શહેરમાં જોવા મળી રહ્યું છે.

થરાદનું તંત્ર પ્રિ મોન્સુન પ્લાનનો અમલ કરવામાં ઉણું ઉતર્યું

ખરેખર તો થરાદ નગરપાલિકા તંત્રએ ચોમાસા પહેલા આગોતરું આયોજન કરવું જોઇતું હતું કે જો ભારે વરસાદ પડે તો તેનો નિકાલ કઇ રીતે કરી શકાય અને રાજ્યમાં દરેક શહેરોમાં પ્રિ મોનસુન પ્લાન મુજબ તંત્ર કામગિરી કરે છે પણ થરાદનું તંત્ર પ્રિ મોન્સુન પ્લાનનો અમલ કરવામાં ઉણું ઉતર્યું હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે.


  • Follow us on: